Shree Makhaniya Smart Primary School
શાળામાંથી વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓ માટે અભ્યર્થના પત્ર : - “ પ્રારંભ “
વિદાય તારીખ :- 04/05/2019 , શનિવાર
આત્મીય વિદ્યાર્થી .........................................................................................
આ શાળામાં પરિવારની ભાવનાથી જોડાયેલા રહી શ્રેષ્ઠ રીતે પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદાય લઈ રહ્યા છો ત્યારે શ્રી માખણીયા પ્રાથમિક શાળા સમગ્ર પરિવાર વિરહની લાગણી સાથે આપની શૈક્ષણિક પ્રગતિ વિષે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે . આ શાળામાં આઠ આઠ વર્ષો સુધી હસતા , કૂદતા ,ગીતો ગાતા અને મધુર કલરવ કરતા રહીને શાળાસંકુલને ગુંજતું અને કિલ્લોલયુક્ત રાખ્યું છે. શાળાને કાયમ આપની યાદ રહેશે .
કુતૂહલતા અને જીગ્નાસાપૂર્વકના સવાલો પૂછીને તમે વર્ગખંડને જીવંત રાખીને ,સંસ્કારો સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરી ને ઉત્તમ ચારિત્રનિર્માણનું ભાથું ભેગું કર્યું છે. શાળામાં શિસ્તબદ્ધ રહીને ,શિક્ષકો સાથે આદર્શ ,સન્માન અને વિનયપૂર્વકના વ્યવહાર થકી જ્ઞાન મેળવીને સૌના સ્નેહ અને સન્માનના હક્કદાર બન્યા છો એ અમારા માટે ખુબ જ ગૌરવની બાબત છે .
આપ સૌની માતૃસંસ્થા – શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળામાં તમે જે શિસ્ત , વિનય ,આદર અને પ્રેમપૂર્વક વર્તન કરી સૌના પ્રીતિપાત્ર બન્યા છો તેવી જ રીતે દરેક જગ્યાએ ઉત્તમ વ્યવહાર થકી સૌના પ્રિય બની શૈક્ષણિક સાધનામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરજો .
દરેક વિદ્યાર્થી પોતાનું બાળક છે તેમ માની કોઈ ફૂલછોડની જેમ તેનો બૌધિક ઉછેર કરવો એ ફરજ સમજી શક્ય એટલા પ્રયત્નો વડે દરેક શિક્ષકોએ આપને સફળ બનાવવા એ ધ્યેય સાથે વિવિધ પદ્ધત્તિ અને પ્રયુક્તિ સાથે ટેક્નોલોજીયુક્ત શૈક્ષણિક કાર્ય કરેલ છે. વિશ્વ સાથે કદમ મિલાવવા તમે ડિજિટલાઇઝ પણ થયા છો .
એવી કોઈ પણ મુલ્યવાન ચીજ નથી કે જે પુરુષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય. એટલે સખત અને સતત મહેનતની તૈયારી રાખજો . પણ જયારે શ્રદ્ધાનું અને આત્મવિશ્વાસનું જલસીંચન થાય છે, ત્યારે જ પરિશ્રમ નું વૃક્ષ સારા ફળ આપે છે. આ વિચારને હૃદયસ્થ રાખી અભ્યાસ કરજો એટલે જેટલો વિશ્વાસ હશે તેનાથી વધુ સફળ થશો .
નિષ્ઠા અને ખંતપૂર્વક અભ્યાસમાં પ્રીતિ રાખીને ઉત્તરોત્તર શૈક્ષણિક સિધ્ધિઓ હાંસલ કરીને માતાપિતા અને ગુરુજનોને ગૌરવ અપાવજો .સમય સાથે કદમ મેળવીને , વિશ્વના બદલાતા પ્રવાહો સાથે સુસંગત રહી , ટેકનોલોજીમાં અગ્રેસર રહી ,ઉજ્જવળ કારકિર્દી બનાવીને જીવનવિકાસ કરી , રાષ્ટ્ર અને વિશ્વના એક જવાબદાર નાગરિક બનીને તમારા જ્ઞાન , આવડત તથા કૌશલ્યો વડે દેશ –દુનિયાની ઉત્કૃષ્ટ સેવા કરવા પ્રયત્નશીલ રહેજો .
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે , “ નિષ્ફળતા એ અધૂરા કરેલા પ્રયાસોનું પરિણામ છે .” ક્યારેક સફળતામાં મુશ્કેલી આવે તો સામનો કરવા તૈયાર રહેવું . “ I am always special “ – આ વાતને યાદ રાખી તમારામાં રહેલી અપાર અને અમાપ શક્તિને ઉજાગર કરી , આત્મવિશ્વાસ કેળવીને મુશ્કેલીને પણ પડકાર ફેંક્જો . સફળતા મળશે જ . તકલીફ પડે તો ચિંતા નાં કરશો કેમ કે જે તપે છે એ જ સોનું થાય બને છે.સફળતા તો મહેનતથી જ મળશે .
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथै : ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
માતા - પિતા , શિક્ષકો અને વડીલોને તમારા પર ગૌરવ થાય તેવી સિદ્ધિ મેળવજો . પુસ્તક ઉત્તમ મિત્રો છે .તેની સાથે કાયમ મિત્રતા રાખજો . સદ્સાહિત્ય વાંચતા રહી તેમાંથી કાયમ પ્રેરણા મેળવતા રહેજો. આ સંસ્થામાંથી આપની વિદાય એ કાયમી વિદાય નથી. જ્ઞાનગંગા સમાન તીર્થરુપી આ શાળાના પરિવારના તમે આજીવન સભ્ય છો .
અહીંથી તો તમારા શૈક્ષણિક અને સામાજિક જીવનની એક સુમંગલ યાત્રા શરુ થઈ છે અને અહીંથી આગળ વધીને ઉચ્ચત્તમ જ્ઞાનતીર્થો તરફ તમારી યાત્રા પ્રયાણ કરે છે. જ્ઞાન એ રોકાણ એકવારનું છે ફાયદો જિંદગીભર થાય છે . વિદ્વાન વ્યક્તિ હંમેશા બધી જગ્યાએ આદરભાવ પ્રાપ્ત કરે છે.
विद्वत्वं च नृपत्वं च न एव तुल्ये कदाचन् ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥
માતા-પિતા , ગુરુ અને માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી .તેમના પ્રત્યેનો આદરભાવ એ જ સાચી ગુરુદક્ષિણા છે .
જ્ઞાનમાં પુરુષાર્થ ન હોય, શક્તિ નિર્માણ કરવાનો ગુણ ન હોય તો પછી જ્ઞાન કે અજ્ઞાનમાં કાંઈ જ ફરક નથી. માટે પુરુષાર્થી બનશો .મહેનતમાં ગૌરવ અનુભવજો . દરેક વિષયમાં ડીજીટલ સાધન સામગ્રીનો ભરપુર ઉપયોગ કરી શિક્ષણકાર્ય મેળવ્યું છે .
આપની ક્ષમતાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ નો ઉપયોગ કરી અભ્યાસ વિષયક તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવતા શીખ્યા છો. ડીજીટલ માધ્યમથી જાતે જુદા જુદા વિષયોની માહિતી મેળવી શકો તે માટે વર્ગમાં પુર્વાનુભવ આપી શીખવ્યું છે. આગળ પણ ડીજીટલ અને ટેકનોસેવી બની ઉચ્ચતમ ધ્યેયસિદ્ધિ કરજો.અને કદાચ જ્ઞાન ભલે ભૂલાય પણ સંસ્કાર ના ભૂલતા એ નમ્ર વિનંતી છે.
શાળાને આપના તરફથી આશા છે કે તમે રાષ્ટ્રપ્રેમ , સદાચાર , બંધુત્વ ,પ્રમાણિકતા , વિનમ્રતા ,વિવેક , વડીલો પ્રત્યે આદર , શાળા પ્રત્યે પ્રેમ , સજ્જનતા , ધીરજ,નિખાલસતા ,પરાક્રમ ,વાણીમાં મધુરતા , જ્ઞાની વગેરે ગુણ ધારણ કરશો.
उद्यम: साहसं धैर्यं बुद्धि: शक्ति: पराक्रम: ।
षडेते यत्र वर्तन्ते तत्र दैव सहायकृत् ॥
વિશ્વબંધુત્વ કેળવજો . તમે કોડિયું બની પોતાની અંદર જ્યોતને પ્રજવલિત કરીને સમાજમાં પ્રકાશ ફેલાવજો અને તે માટે શિક્ષણ એ ઘી છે, શિસ્તએ વાટ છે એને પ્રગટાવવા માટે શિક્ષણને ઘી બનાવીને પૂર્યું છે અને આ રીતે પ્રગટેલો દીપક આખા વિશ્વમાં સદભાવ ફેલાવી આ શાળાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના .
આપના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ કારકિર્દી માટે અમારી સૌની મંગલકામનાઓ અને શુભેચ્છાઓ હંમેશા આપની સાથે જ રહેશે .
“મહાન શિક્ષકના વર્ગખંડમાં વિતાવેલો એક દિવસ એ પુસ્તકોમાં વિતાવેલા હજારો દિનો કરતાં વધારે સારો છે.
”Education is the most powerful weapon to change the world. - Nelson Mandela
આચાર્ય શ્રી 3
શ્રી કમાભાઈ ઓ .મકવાણા
વર્ગશિક્ષક શ્રી
શ્રી હરિકૃષ્ણભાઈ એમ . નાંદવા
વિષયશિક્ષક શ્રી
શ્રી દિલીપભાઈ સી. પંડયા
શ્રી અંકિતાબેન વી.બારૈયા