બુધવાર, 8 મે, 2019

વિદાય


Shree Makhaniya Smart School


વિદાય અહેવાલ – ૨૦૧૯


ત્રિવિધ કાર્યક્રમ


તારીખ :-૦૪/૦૫/૨૦૧૯

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता 

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना  

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता 
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा


                શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઈમરી સ્કૂલમાં આજ રોજ ત્રિવિધ કાર્યક્રમ સુંદર રીતે ગોઠવાયો . વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વડીલ શિક્ષક શ્રી કુરજીભાઈ બચુભાઈ મકવાણા સાહેબની વિદાય અને ધોરણ ૮ ના ભાઈઓ બહેનોની વિદાય , એવોર્ડ વિતરણ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આમ ત્રિવિધ કાર્યક્રમ ખુબ સુંદર રીતે આયોજિત થયેલ . આમંત્રિત મહેમાનો , ગ્રામજનો , શિક્ષક સ્ટાફ તથા અમારા શાળારૂપી બગીચાના પુષ્પો એટલે કે અમારા વિદ્યાર્થીઓ એમ દરેક જણ ખુબ જ આત્મીયતા અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા .

વિદાય આમંત્રણ પત્રિકા 

                                                                                                                 પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે. વિદાય નક્કી જ હોવા છતાં વસમી લાગે છે તેનું કારણ ઈશ્વરે માનવની અંદર મન અને હૃદયનું સર્જન કર્યું એ છે. લાગણી અને સ્નેહ વડે જ સુંદર દુનિયાનું સંચાલન થાય છે .


શાળાની બહેનોએ દરેક મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું .







અમારા કાર્યક્રમ ની રૂપરેખા આ મુજબ રાખવામાં આવેલ .

દીપ પ્રાગટ્ય 
સમૂહ પ્રાર્થના
મહેમાનોનું શાબ્દિક સ્વાગત
પુષ્પગુચ્છ થી સ્વાગત
સ્વાગત ગીત :- મન કી વીણા સે ધોરણ ૮ નાં બહેનો
સ્વાગત ગીત : - અભિનય :-  ધોરણ ૮ ના બહેનો   :-  ઘર મન્દિર સે નહિ હૈ કમ
વિદાય વ્યક્તવ્ય :- હેતસ્વીબેન બેલડીયા
અભિનય ગીત : - ધોરણ ૭નાં  ભાઈઓ  :- અમે ગુજરાતી લહેરી લાલા
વ્યક્તવ્ય : - પ્રિયાબેન મકવાણા
વ્યક્તવ્ય :- માનસીબેન જાની
અભિનય ગીત ધોરણ ૭ના બહેનો :-  ઘટે તો જીંદગી ઘટે
વિદાય વ્યક્તવ્ય :-  વાળા કૃપાલીબેન
વ્યક્તવ્ય  અને કાવ્યપઠન : મારૂ  રશ્મિબેન 
વિદાય વ્યક્તવ્ય અને કાવ્ય :- આચાર્ય શ્રી કમલેશભાઈ
પ્રાસંગિક વ્યક્તવ્ય :- હેતસ્વીબેન  બેલડીયા
પ્રાસંગિક વ્યક્તવ્ય :- જાડેજા સાહેબ , આચાર્ય શ્રી એમ . જે. દોશી હાઈ .
વિદાય ગીત :- ધોરણ ૭ના બહેનો :- રાજવીબેન  જેઠવા અને સાંખટ  ભૂમિબેન  
ભેટ અર્પણ :-  ધોરણ ૮ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ડીઝીટલ વોલ કલોક વિથ ગ્રુપ ફોટો
વિદાય ગીત :- બસ ઇતના હી  સંગ થા  તુમ્હારા હમારા
પ્રાસંગિક વ્યક્તવ્ય : - શિક્ષિકા બહેન શ્રી અંકિતાબેન બારૈયા
શાલ થી સન્માન : - સાહેબ શ્રી કુરજીભાઈનું અદકેરું સન્માન – શાલ વડે
અભિનય ગીત :- ધોરણ ૭ નાં બહેનો :-  આયો રે શુભ દિન આયો
વિદ્યાર્થી પ્રશસ્તિ પત્ર વાચન અને એવોર્ડ વિતરણ :-  હરિકૃષ્ણભાઈ નાંદવા
અભિનય ગીત : - ધોરણ ૮ નાં બહેનો :-     ઘૂમર ઘૂમર ઘૂમે રે
વ્યક્તવ્ય :- વાઘેલા ઈશીતાબેન 
પ્રશસ્તિ પત્ર વાચન( હરિકૃષ્ણભાઈ )  , પ્રશસ્તિપત્ર અર્પણ,  ભેટ અર્પણ :-                                                      સમગ્ર સ્ટાફ   (શ્રી કુરજીભાઈ સાહેબ)
વિદાય ગીત :- રશ્મિબેન મારૂ   :- સુના હૈ આંગન સુના હૈ સ્કૂલ
એવોર્ડ વિતરણ અને પ્રશસ્તિ પત્ર વિતરણ : - ધોરણ ૮ના ભાઈઓ બહેનો                                                             ( હરિકૃષ્ણભાઈ )
અભિનય ગીત :- ધોરણ ૮ નાં બહેનો
લોકગીત :- ભલા ભાણેજડા                               
આભારવિધિ
·        


·                                      સૌ પ્રથમ તળાજા તાલુકા મામલતદાર સાહેબ શ્રી પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી .ત્યારબાદ સુંદર સમૂહ પ્રાર્થના રજુ થઇ .

 તળાજા તાલુકા મામલતદાર સાહેબ શ્રી વડે નિવૃત્ત થઇ રહેલ શ્રી કુરજીભાઈ મકવાણા સાહેબનું સન્માન

 તળાજા તાલુકા મામલતદાર સાહેબ શ્રીનું વક્તવ્ય 


·        ત્યારબાદ મહેમાનોનું શબ્દોથી શાળા પરિવાર વડે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.પુષ્પગુચ્છ વડે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું .
સ્વાગત 

·     
   ત્યારબાદ ધોરણ ૮ ના બહેનોએ મન કી વીણા સે સુંદર  ધ્વની મંગલમ એવું સ્વાગત ગીત સુમધુર કંઠે રજુ કર્યું . પછી ધોરણ ૮નાં બહેનોએ સ્વાગતમ સુસ્વાગતમ એવું સુંદર અભિનય ગીત રજુ કરી દરેક વ્યક્તિઓનું સ્વાગત કર્યું .



·        આ પછી શાળાની વિદ્યાર્થીની બહેન હેતસ્વીબેન બળવંતભાઈ  બેલડીયાએ સાહેબ શ્રી કુરજીભાઈને સંબોધન કરી વિદાય વ્યક્તવ્ય આપ્યું અને સાહેબના સુખમય ભવિષ્યની કામનાઓ વ્યક્ત કરી .


·        ધોરણ ૭નાં વિદ્યાર્થી ભાઈઓએ તાજેતરમાં ગયેલ ગુજરાત ગૌરવ દિન વિષે અભિનય ગીત રજુ કરી પોતાનાં  ગુજરાતી હોવાના  ગૌરવને અમે ગુજરાતી લહેરી લાલા ગીત અભિનય સાથે પ્રદર્શિત કર્યું . દરેક લોકોએ આ અભિનય ગીતને ખુબ પસંદ કર્યું .




·        ત્યારબાદ ધોરણ ૮ના વિદ્યાર્થીની બહેન  પ્રિયાબેન નાનજીભાઈ મકવાણા અને માનસીબેન કનુભાઈ જાની એ પોતાના શાળાજીવનના અનુભવો , પોતાના શબ્દોમાં વ્યક્ત કરી શાળા પ્રત્યેના અહોભાવને વ્યક્ત કરતું પોતાનું વ્યક્તવ્ય આપ્યું ત્યારે વિદાય લઈ રહેલ તમામના મનોભાવ એમની આંખોમાં ડોકાતા હતા .

·        ધોરણ ૭ ના બહેનોએ પોતાની કૃતિ સુંદર રીતે રજુ કરેલ .તેમનું અભિનય ગીત હતું ,   ઘટે તો જીંદગી ઘટે , બીજું તો કઈ ન ઘટે રે .


·        પોતાના શાળાજીવનના અનુભવો અને વિદાયની વસમી વેળાનાં સમય વિષે હિન્દી ભાષામાં પોતાના  મનોભાવ વ્યક્ત કરતું વિદાય વ્યક્તવ્ય વાળા કૃપાલીબા જયવંતસિંહ એ  રજુ કરેલ ત્યારે બધાની આંખોમાં વિરહનું દુઃખ દેખાય આવતું હતું .



·        શાળાની વિદ્યાર્થીની બહેન મારૂ રશ્મિબેન મુકેશભાઈ એ પોતાનું વ્યક્તવ્ય રજુ કરેલ   અને વિદાય લેતા સમયે શાળાના રીત રીવાજ , નિયમ , અભ્યાસ , આનંદ , શિસ્ત વિષે અદ્ભુત કાવ્યપઠન કરેલ અને પોતાને આ શાળા છોડવી પડે છે તે અંગે વિરહની ગ્લાનિ એમના શબ્દોમાં વ્યક્ત કરી હતી. અને સમગ્ર માહોલ વિરહની લાગણી અનુભવતો હોય તેમ દરેકની આંખોમાં વિરહના અશ્રુઓ છલકાતા હતા .





·        શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ ઓઘડભાઈ  મકવાણા એ વિદાય લેતા શાળાના વડલા સમાન શિક્ષક  શ્રી કુરજીભાઈ બચુભાઈ મકવાણાના શૈક્ષણિક કાર્ય , એમની શૈક્ષણિક  સેવા , સાહેબની કાર્યતત્પરતા ,સાહેબની સમય પ્રત્યેની નિષ્ઠા ,સાહેબનાં અનુભવનો શાળાને થયેલ ફાયદો ,એમનો સરળ અને શાંત સ્વભાવ , એમની દરેકને માન આપવાની રીત , સાહેબનો દરેકને ઉપયોગી થવાનો સ્વભાવ અને દરેકને કઈક શીખવા મળે તેવું જીવન વગેરે અનેક ઉમદા ગુણો વિષે વ્યક્તવ્ય આપી સાહેબનું ભવિષ્યનું જીવન શાળા અને સમાજને સતત ઉપયોગી થતું રહે તેમ નીરોગી વીતે અને એમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી મા શારદેને પ્રાર્થના કરી પોતાના મનોભાવ વ્યક્ત કરેલ.



·                                                                  શાળાના ધોરણ ૮ ના બહેન  હેતસ્વીબેન બળવંતભાઈ  બેલડીયા એ પ્રાસંગિક પ્રવચન કરી સૌને સંબોધિત કરેલ . વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે સંબોધન કરતા જણાવેલ કે , “  અહી સંસ્કારો સાથે મેળવેલા ઉત્તમ શિક્ષણને , ટેકનોલોજી સાથે મેળવેલ શિક્ષણને ,નવીન પદ્ધાત્તિઓ સાથે મેળવેલ શિક્ષણને અમે ક્યારેય ભૂલી નહી શકીએ. નિષ્ઠા અને ખંતપૂર્વક અભ્યાસ કરાવતા ગુરુજનો પ્રત્યેના આદરભાવ વ્યક્ત કરતું ઉત્તમ વ્યક્તવ્ય અપાયું . તેમણે જણાવ્યું કે , “ આ શાળાના સંસ્મરણો હંમેશા તેઓને યાદ રહેશે અને દરેક વિષયનું અમને ઉત્તમ શિક્ષણ મળ્યું છે”.  અહી ઉત્તમ શિક્ષણ અને સહભ્યાસિક પ્રવુત્તિઓ થકી થયેલા સર્વાંગીણ વિકાસ માટે ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામનો આભાર માનેલ .


                                                     ત્યારબાદ પ્રાસંગિક વ્યક્તવ્ય શ્રી જાડેજા સાહેબ , આચાર્ય શ્રી એમ . જે. દોશી હાઈ .એ રજુ કરેલ. સહ્વ્બ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપેલ અને સરકારી શાળાઓમાં ઉત્તમ રીતે કામ થાય છે અને તેનો નમુનો શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઈમરી સ્કૂલ છે તેમ જણાવી શાળાની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી . ત્યારબાદ ગૌતમભાઈ , પ્રેમજીદાદા ,કે.બી.સાહેબ વગેરે મહાનુભાવોએ પોતાનું વ્યક્તવ્ય રજુ કરેલ . શાળા , કુરજીભાઈ સાહેબ અને વિદાય લઇ રહેલ બાળકો પ્રત્યે પોતાનો સદ્ભાવ દર્શાવી સૌને સંબોધિત કરેલ .



·                         દરેકના નયનમાં આંસુ લાવી દેતું વિદાય ગીત ધોરણ ૭ના બહેનો રાજવીબેન  જેઠવા અને સાંખટ  ભૂમિબેન એ રજુ કર્યું.  વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુર ગાજો રે ગીત રજુ થયું ત્યારે દરેક ભાવુક બન્યા હતા અને એનો પુરાવો દરેકની આંખો અને હૃદય હતા. કઠણ હૃદયનો માનવી પણ પીગળી જાય તેવો પ્રસંગ એટલે વિદાય એ સાક્ષાત અનુભવાયું.



·                                          શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષક એવા શ્રી હરેશભાઈ લાધવા સાહેબનું વ્યક્તવ્ય આયોજિત થયેલું . પરંતુ વિદાયના આ કરુણ પ્રસંગે સાહેબ શ્રી પોતાના મન અને હૃદયના ભાવો વ્યક્ત કરવા ઈચ્છતા હોવા છતાં કરુણ પ્રસંગના માહોલમાં , પોતાના ઋજુ સ્વભાવના કારણે પોતે હૃદયનો ભાવ વ્યક્ત કરવા શબ્દોની સરિતા એટલે કે વાણીના સ્થાને એમની આંખો અને હૃદય પોતાના શાળા , સાહેબ શ્રી કુરજીભાઈ અને વિદાય લેતા બાળકો તરફ પ્રેમ , વાત્સલ્ય વડે છલકાતા દેખાયા હતા . એમની શુભેચ્છાઓ સદાય  શાળા પરિવાર સાથે હોય છે. એ માટે શાળા પરિવાર એમનો આભારવ્યક્ત કરે છે.





                                                 ધોરણ ૮ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ શાળાને ડીઝીટલ વોલ કલોક વિથ ગ્રુપ ફોટો ભેટમાં આપેલ છે. શાળાને આ ભેટ અર્પણ કરી વિદ્યાર્થીઓએ આશીર્વચન મેળવ્યા . એ ડીઝીટલ ક્લોકમાં ધોરણ ૮ નો ગ્રુપ ફોટો મુકવામાં આવેલ છે. ખુબ મહેનત વડે તૈયાર કરાયેલી આ ઘડિયાળ કિમતી છે કેમ કે એમાં અમારા વિદ્યાર્થીઓનો ફોટો છે . તેઓ પોતાની યાદ હમેશા માટે આ શાળામાં રાખીને ગયા છે. તેઓનો શાળા અને ગુરુજનો  પ્રત્યેનો આદર અને સદ્ભાવ , શાળા પ્રત્યેની ઉમદા લાગણી , શિક્ષણ તરફની ઉત્કૃષ્ટતા , એકબીજાને મદદરૂપ થવાની ભાવના , નમ્રતા , નિખાલસતા , તેઓનું ભોળપણ ,વાણીની મધુરતા , શાળાના દરેક કામમાં ઉત્તમ ભાગીદારી ,સહાધ્યાયી પ્રત્યે ભાતૃભાવ ,નિર્દોષ બાળપણ સહજ તોફાન મસ્તી , એમનો વિવેક્ભાવ અમને શાળા પરીવારને સદાય યાદ રહેશે .





·     






                                                                            જયારે વિદાય ગીત -  બસ ઇતના હી  સંગ થા તુમ્હારા હમારા એ રજુ થયું એ કરુણતાની સર્ચોચ્ચ પળ બની રહી . દરેકના હૃદયમાં આ સમયે વિરહની વેદના સમાયેલી હશે એમ લાગી રહ્યું હતું.  ગીતના શબ્દો અને પંક્તિઓ પાષાણ હૃદયના માનવીને પણ લાગણીના સાગરમાં ખેચી જાય તેવા અને ભાવવિભોર કરી આંખોમાંથી ગંગા જમુના વહેવડાવી દે તેવી રીતે ગવાયા હતા.






·                                                            સાહેબ શ્રી કુરજીભાઈ મકવાણા સાહેબ તરફ પોતાનો અહોભાવ વ્યક્ત કરવા અને એમને સન્માનવા ખુબ બધા મહેનામો , ગ્રામજનો અને શિક્ષક સ્ટાફ ઉત્સુક હતા. દરેક વ્યક્તિઓએ સાહેબનું સન્માન કરી પોતાના મનોભાવ વ્યક્ત કરેલ અને સાહેબને શ્રેષ્ઠ અને સન્માનનીય શિક્ષક તરીકેની ફરજ બજાવી નિવૃત્ત થાય છે ત્યારે ખુબ સન્માન આપી એમના ભાવી જીવનમાં ખુબ આરોગ્યવાન અને યશસ્વી રીતે સમાજ ઉપયોગી કર્યો કરવા પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી .  સ્ટાફના તમામ શિક્ષકમિત્રો કમલેશભાઈ મકવાણા, મહાસુખભાઈ પંડ્યા  , દિલીપભાઈ પંડ્યા , અશોકભાઈ ગોટી, રોહિતભાઈ ધાંધલ્યા ,પરશોત્તમભાઈ ભટ્ટ , અનિલભાઈ દવે ,  હરિકૃષ્ણભાઈ નાંદવા , હરેશભાઈ પંડયા અને અંકિતાબેન દવે એ સાહેબ શ્રી નું શાલથી સન્માન કરી અને આશા વ્યક્ત કરેલ કે આપનો સાથ અને સહકાર હજી પણ શાળા પરિવારને હંમેશા મળતો રહે . આ ઉપરાંત  મહેમાનો , ખુબ બધા ગ્રામજનો અને કેન્દ્રવર્તીનાં  શિક્ષકમિત્રોએ  શાલ થી સન્માન કરી શુભેચ્છાઓ અર્પણ કરેલ .દરેકના નામ અહી ઉલ્લેખ કરવા શક્ય ના હોય દરગુજર કરવા વિનંતી છે. સાહેબ પણ પોતાનું હૃદય અને મન તેમજ લાગણી બાંધી ન શક્યા અને આંખોમાં અને હૃદયમાં લાગણીના ભાવો વહેવા લાગ્યા હતા. શાળા એ શિક્ષકને મન ઘર કરતા વિશેષ હોય છે તે સાક્ષાત અનુભવાયું . સાહેબે પોતાનું જયારે કામ પડે ત્યારે હાજર થવાનું વચન આપી પોતાનો સદ્ભાવ દર્શાવેલ . અહી એમના ઉત્તમ વ્યક્તિત્વનો અને સાચા શિક્ષક તરીકેનો પરિચય મળે છે અને એ માટે શાળા હંમેશા તેમની આભારી છે.





















·        ધોરણ ૭ ના બહેનોએ અભિનય ગીત રજુ કરેલ . જેના શબ્દો છે .”   આયો રે શુભ દિન આયો “   ખુબ સરસ રીતે આ કૃતિ રજુ થઇ હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ત્રિવિધ કાર્યક્રમના આયોજનમાં ઉત્તમ બની રહ્યો .
       

        ધોરણ ૭ ના ભાઈઓ બહેનો વડે સાહેબ શ્રી કુરજીભાઈ મકવાણાને સ્મૃતિભેટ આપવામાં આવી હતી .



                                                                                         


                                                                                         વિદ્યાર્થી અભ્યર્થના પત્ર અને એવોર્ડ વિતરણ :-   
                        શાળા વડે સૌથી અલગ ,સૌથી પહેલા અને હાલના સમયમાં ખાસ જરૂરી છે તેવા અનોખા એવોર્ડ વિતરણ અને અભ્યર્થના પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ .તેનાં પહેલા વિભાગમાં અલગ અલગ શ્રેણી મુજબ એવોર્ડ અને શુભેચ્છા –અભ્યર્થના પત્ર આપવામાં આવેલ .  શાળાના શિક્ષક શ્રી હરિકૃષ્ણભાઈ મોહનલાલ નાંદવા એ એવોર્ડ વિતરણ કાર્યક્રમનું સંચાલન કરેલ . શિક્ષિકા બહેનશ્રી  અંકિતાબેન બારૈયા એ એવોર્ડ વિતરણની સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી .
કેમ બધાથી અલગ પ્રકારના એવોર્ડની જરૂર છે ?
                    
રાષ્ટ્રની સામાજિક ,સાંસ્કૃતિક, આર્થિક  ,બૌધિક અને સમગ્ર સ્વાસ્થ્યની જવાબદારી જયારે આવતીકાલના નાગરિકો એટલે કે વિદ્યાર્થીઓની છે . ત્યારે માત્ર ઉચ્ચ ગુણાંક અને  બુદ્ધિશાળી  છાત્રોથી રાષ્ટ્ર શ્રેષ્ઠ બનશે તે શક્ય જ નથી . જરૂર છે રાષ્ટ્રીય અસ્મિતા જાળવનાર ,સદાચારી ,સંસ્કારી ,વ્યસનમુક્ત , નિષ્ઠાવાન ,રાષ્ટ્ર પ્રત્યે આત્મસમર્પણ , ત્યાગ ,બલિદાન ,ભાતુપ્રેમ ,રાષ્ટ્રપ્રેમ ,હકારાત્મકતા ,બંધુત્વ ,આત્મનિર્ભરતા ,નીડરતા,સહનશીલતા , મહેનત તરફ શ્રદ્ધા , કાર્યનિષ્ઠા આત્મવિશ્વાસ માનસિક વિશ્વાસ ,પ્રેરણા ,પ્રોત્સાહન સહકાર  , અનુશાસન પ્રિય ,એકાગ્રતા , આરામત્યાગી ,સખત મહેનતુ જેવા ગુણો ધરાવનાર નાગરિક બને . અભ્યાસમાં રસ વધતો રહે તે માટે પણ આ પ્રકારે વિદ્યાર્થીઓને સન્માનવા જરૂરી છે. માટે ઉમદા ગુણોના વિકાસ માટે અલગ અલગ શ્રેણીઓ વિચારવામાં આવી . જેમ કે

બેસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ,  બેસ્ટ ડીસીપ્લીન્ડ,બેસ્ટ એક્ટિંગ , બેસ્ટ રોઝ  બોય , બેસ્ટ રોઝ ગર્લ, બેસ્ટ ઈંગ્લીશ રીડર , બેસ્ટ સ્પીકર  , બેસ્ટ કલ્ચરલ એક્ટિવિટી , બેસ્ટ પેઈન્ટર ,બેસ્ટ સ્પેલર બેસ્ટ હોમવર્કર , બેસ્ટ સ્ટુડન્ટ ઓફ  યર , બેસ્ટ એક્ટિવિસ્ટ , બેસ્ટ હેલ્પર , બેસ્ટ સિંગર  ,બેસ્ટ ટેક્નોક્રેટ , બેસ્ટ મંત્રી , બેસ્ટ બૂકર એમ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ ૮ ના ૪૫ જેટલા બાળકોને સન્માનવામાં આવ્યા . વિદ્યાર્થીઓને જે અભ્યર્થના પત્ર આપવામાં આવ્યું તેમાં ખુબ ઉત્તમ અને સુંદર બાબતો રજુ થઈ છે. સમયના અભાવે તેના વાચનનું આયોજન થઇ શકેલ નથી . વિદ્યાર્થીને પ્રેરણા અને પ્રોત્સાહન માટે અભ્યર્થના પત્ર આપેલ છે . અને એમના ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા તેમાં વ્યક્ત કરેલ છે. તેનો નમુનો બ્લોગમાં આપેલ છે.બાળકોએ  એવોર્ડ સ્વીકારી ગુરુજનોના આશીર્વચન મેળવ્યા .














·        ત્યારબાદ ધોરણ  ૮ ના  બહેનો વડે અભિનય ગીત , ઘૂમર ઘૂમર ઘૂમે રે ખુબ સરસ રીતે રજુ થયેલ. દરેક કૃતિઓ માટે મહેમાનો વડે માટે ઇનામ પણ  અપાયેલ છે.


·        અંગ્રેજીમાં ખુબ સરસ રીતે શાળા , ગુરુજનો ,પોતાના સહાધ્યાયીઓ પ્રત્યે પોતાના મનોભાવ વ્યક્ત કરતું વ્યક્તવ્ય વાઘેલા ઈશીતાબેન  રમેશભાઈ એ રજુ કરેલ . તેમને મૌલિક રીતે અંગ્રેજી ભાષામાં વ્યક્તવ્ય આપીને સૌને મંત્રમુગ્ધ કરેલ અને શાળામાં પોતાના ઉત્તમ અભ્યાસ અંગે ગુરુજનોનો આભાર સ્વીકાર કરી  આદરભાવ વ્યક્ત કરેલ .

·        પ્રશસ્તિ પત્ર અર્પણ અને ભેટ અર્પણ :- સમગ્ર સ્ટાફ શ્રી કુરજીભાઈ સાહેબના સન્માન માટે પ્રશસ્તિપત્ર ભેટ આપવામાં આવેલ . તેમ જ શાળા પરિવારને સાહેબ શ્રી કુરજીભાઈ મકવાણા એ રોકડ રકમ ભેટ સ્વરૂપે આપેલ છે. જે બદલ શાળા પરિવાર તેનો આભાર વ્યક્ત કરેલ છે.

સાહેબ શ્રી કુરજીભાઈ મકવાણાને શાળાપરીવાર વડે અપાયેલ પ્રશસ્તિપત્ર



·        તથા શાળા પરિવાર વડે સાહેબ શ્રી કુરજીભાઈ મકવાણાને સ્મૃતિભેટ રૂપે સોનાની વીંટી ભેટમાં આપેલ છે.  
·    



                                                   શાળાની વિદ્યાર્થીની બહેન  રશ્મિબેન મારૂ એ સુના હૈ આંગન સુના હૈ સ્કૂલ ખુબ મહેનત કરી તૈયાર કરેલ અને ગીત ખુબ જ ભાવપૂર્વક રજુ કરેલ અને શાળા પરિસરમાં વિદાયની ગમગીની વાળો માહોલ ઉભો થયો ત્યારે સૌની આંખોમાં અને હૃદયમાં વિદાયની વસમી વેળાનું દુઃખ દેખાતું હતું .


·       એવોર્ડ વિતરણ અને અભ્યર્થના  પત્ર વિતરણ ભાગ ૨  : - 
                                  ધોરણ ૮ના ભાઈઓ બહેનો માટે બીજા વિભાગમાં બાકી રહેલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા . જીવનમાં મળેલ પહેલા એવોર્ડ વખતે મને આ બાળકોની આંખોમાં દુનિયા આખી જીતી ગયા એમ વંચાતું હતું  . તેઓ ખુબ જ ખુશ હતા . પોતાને મળેલ એવોર્ડ એ આગળના સમયમાં એમને પ્રોત્સાહિત કરતા રહી દુનિયામાં સદભાવ ફેલાવવા મથતા જ રહેશે એમાં બે મત નથી . અભ્યાસમાં નંબર આવે તેના જ સન્માન થાય એનાથી અલગ એવો આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ આગળના સમયમાં અમારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે એવી અમને આશા છે .


·        અભિનય ગીત :- ધોરણ ૮ નાં બહેનો


ધોરણ ૮ ના બહેનો વડે અભિનીત લોકગીત ભલા ભાણેજડા સાંસ્કૃતિક કાર્યક્રમમાં  શિરમોર બની રહ્યું . વિસરાતા જતા વારસા સમાન આ લોકગીતને પોતાના અભિનય વડે   પ્રદર્શિત કરીને ગરવી ગુજરાતી ભાષાને સન્માન બક્ષેલ છે.     


                                                સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અનિલભાઈ માધવજીભાઈ દવે એ પોતાની સરસ શૈલીમાં કરેલ અને આ ત્રિવિધ કાર્યક્રમને સરસ રીતે સંચાલિત કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા  કમલેશભાઈ મકવાણા  , મહાસુખભાઈ પંડ્યા  , દિલીપભાઈ પંડ્યા , અશોકભાઈ ગોટી, રોહિતભાઈ ધાંધલ્યા ,પરશોત્તમભાઈ ભટ્ટ , અનિલભાઈ દવે ,  હરેશભાઈ પંડ્યા ,હરિકૃષ્ણભાઈ નાંદવા  અને અંકિતાબેન દવે એ શરૂથી અંત સુધી સાથ સહકાર આપેલ . અલગ અલગ વ્યવસ્થાઓમાં સૌ શિક્ષકમિત્રો એ સહભાગી બની આયોજનને સુપેરે સફળ બનાવેલ છે.


                    
      આભારવિધિ

આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો , ગ્રામજનો અને આયોજનને સફળ બનાવવા દરેક નાનામોટા કામમાં સહભાગી બનેલા દરેકનો શાળા પરિવાર આભાર માને છે. શાળા પરિવારના દરેક આયોજનમાં  તન , મન અને ધનથી સહકાર આપનારનો હૃદયપૂર્વક આભાર . શાળા પરિવારને આ દિવસે ઘણી મોટી ધનરાશી  સાંસ્કૃતિક કાર્યક્રમમાં દાનમાં મળેલ છે અને તે માટે શાળા પરિવાર સૌનો આભારી છે.


અને આયોજન અનુસાર સરસ જમણવારનું આયોજન કરવામાં આવેલ . જેમાં ચુરમાના લાડુ , પૂરી ,મગનું શાક ,ઊંધિયું ,બટાટાવડા , ચટણી , લાઇવ ઢોકળા , ચટણી , દાળ , ભાત , છાશ , પાપડ અને સલાડનું મેનુ રાખવામાં આવેલ . ધોરણ ૮ ના ભાઈઓ અને બહેનોએ પીરસવાની જવાબદારી ઉપાડી અને દરેકને ભાવથી જમાડી છેલ્લે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ સાથે જમીને ખુબ આનંદ મેળવ્યો .











ખુબ સરસ રીતે બધું આયોજન પૂરું થયેલ અને અંતે
            
                 જ્યારે ખરેખર શાળા છોડીને ઘરે જવાનો સમય આવ્યો ત્યારે ખુબ ભાવુક પળો સર્જાઈ . ધોરણ ૮નાં વિદ્યાર્થીઓ પોતાનો વર્ગ જોવા ગયા કે જ્યાં તેઓનું આખું વર્ષ અભ્યાસમાં વીતેલુ .તે વર્ગખંડની એક એક વસ્તુ અત્યાર સુધી તેઓની પોતાની હતી . વર્ગની દરેક વસ્તુ સાથે તેને આત્મીયતા હતી . પોતાના ઘર કરતા પણ શાળામાં આ બાળકોને વધુ ગમતું હોય છે. તેઓ રોજ કહેતા કે , “ આ રજા ન આવે તો વધુ સારું . જાહેર રજા પણ  ન આવે તો સારું એમ બોલવામાં શાળા તરફનો એમનો ભાવ દેખાય આવે. આ શાળા જ તેઓ માટે સ્વર્ગ સમાન છે તેમ તેઓ માનતા . આ શાળાના વર્ગમાં  તેઓનો આનંદ ભર્યો સમય પસાર થયો હતો , વર્ગ એ જ સ્વર્ગ હતું , આ વર્ગમાં જ કલાપી થી કાલિદાસ અને દેશ થી વિદેશ તેઓ વૈચારિક માધ્યમથી  ઘૂમ્યા હતા . આ જ વર્ગ તેને મન સ્વજન હતો. સ્વજન છોડતા સમયે થતું દુઃખ તેઓ અનુભવી રહ્યા હતા . મિત્રો અને વર્ગ તેમજ શાળા છોડવાની બાંધી રાખેલી લાગણી અહી છેલ્લે તૂટી અને જે મિત્રો સાથે હસતા –રમતા અને લડતા અને ફરી સાથે રમતા એવા મિત્રોનો સાથ આજથી  નહિ રહે તે ભાવના સાથે મન અને હૃદય એકસાથે દ્રવી ઉઠ્યા અને એની અસર આંખોમાં ઉતરી. ચોધાર આંસુએ રડતા જોઇને પાષાણ  પણ પીગળી જાય તેવો ઘાટ સર્જાયો . વર્ગની દીવાલો પણ કદાચ રડી  પડી  હશે . વિખુટા પડતા સહપાઠીઓ એકબીજા પ્રત્યે આવો સ્નેહ ધરાવતા હશે તે કલ્પના પણ મને ન હતી .  કોઈ માની ન શકે કે આમ શાળા છોડતા વિદ્યાર્થીઓ આટલું  રડે . અને જે રડી શકતા નહોતા તેની આંખો ભીની હતી અને હૃદય રડતું હતું . ખુબ કરુણતા ઉદ્ભવી .જે સાક્ષી હોય તે જ માની શકે કે પોતાના સ્વજન વિખુટા પડે તેના કરતા વધુ દુઃખ અનુભવી આજે આ બાળકો રડતા હતા. કોઈને ક્યારેક મજાકમાં કે મસ્તીમાં રડાવતા તેની જગ્યાએ તેઓ આજે એકબીજા માટે  રડતા હતા .કોઈ દુર જવાનું તેના માટે રડે તો કોઈ હવે મળવાનું થશે કે કેમ એ વિચારી રડે . જયારે તેઓને આગ્રહ કરીને ઘરે જવાનું કહીએ તો રડે પણ બહાર ન જાય અને બહાર જઈને , વળી શાળામાં આવીને રડી પડે . જવાનું કહીએ તો બોલે કે ,” એકવાર શાળા જોવા દો. છેલ્લીવાર શાળા જોવી છે”. આમ ફરીથી જાય અને ફરી પાછા શાળા જોવા અંદર આવે અને ફરી રડે.  આટલી બધી શાળા પ્રત્યેની ઉમદા લાગણી મારી કલ્પના બહાર હતી . હોશિયાર કે મધ્યમના કોઈ ભેદ મને આ સમયે બતાયા જ નહી . લાગણીમાં કોઈ હોશિયાર કે મધ્યમ હોતા નથી . છેલ્લે તેઓને આશ્વાસન આપ્યું કે આ શાળા તમારી પોતાની જ છે અને ગમે ત્યારે અહી આવી શકો છો અને ખુબ આગ્રહ કરી ઘરે મોકલવામાં આવ્યા . આપણે જેને બાળકો સમજીએ તે વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાના જગતમાં જીવતા હોય છે તે જોવા અને સમજવા બાળક જેવી માનસિકતા કેળવવી પડે . હોશિયાર અને સામાન્યના ભેદ મીટાવવા પડશે . સૌની  પોતાની મૌલિકતા હોય છે. કોઈ વધુ શીખે કોઈ ઓછુ , કોઈ જલ્દી શીખે  તો કોઈ મોડું , કોઈ ઝડપથી શીખે તો કોઈ ધીમે , કોઈ ભાષા સારી શીખે તો કોઈ વિજ્ઞાન . કોઈ એક વસ્તુ ના આવડે તો કશું બગડી જવાનું નથી . એને માન , સ્નેહભાવ અને આદર આપો એટલે એ શીખશે જ . દરેકને જીવનમાં કોઈ અફસોસ રહી જતો હોય છે . કોઈને ભણવાનો કે કોઈને ભણાવવાનો . પછી સમય નીકળી જાય છે . એટલે હેતુ માત્ર એટલો જ છે કે માનવીય દૃષ્ટિકોણ કેળવી દરેક વિદ્યાર્થીને પોતાના બાળક ગણી એની ચિંતા કરવાની છે.   મારું માનવું છે કે આ બધાથી અલગ એક દૃષ્ટિ કેળવવી પડશે  .  અને તે છે માનવીય સન્માન . દરેક કઈક તો વિશેષ છે જ . દરેક વિદ્યાર્થીને માન આપવું એ પહેલું શિક્ષણ છે . કોઈ વિદ્યાર્થીમાં અભ્યાસમાં કોઈ કચાશ લાગે તો પહેલા એને સમજી પછી યોગ્ય અભ્યાસ ફરીથી કરાવવો જોઈએ .કોઈ અભ્યાસમાં મધ્યમ છે પણ દરેકને મદદ કરે છે તો લખી રાખો એ જંગ જીતી ગયો છે. પાયથાગોરસ ભલે એ ભૂલી જાય પણ દુનિયા એને નહિ ભૂલે .એ દુનિયા જીતી લીધી ગણાય . આપણે સિંહના બાળને વૃક્ષ ઉપર કુદકા મારતું કરવું હોય તો તે અશક્ય છે. દરેકની ક્ષમતા મુજબ એને કેળવો. અને ક્યારેય અભ્યાસમાં તેજસ્વી બાળકની સાપેક્ષમાં મધ્યમનું મૂલ્યાંકન ન કરવું .એમ કરવાથી મધ્યમ બાળકણે ફાયદો જરાય નહી થાય , નુકસાન જશે. દરેકને પોતાની રીત છે , પોતાના ખ્યાલો છે, પોતાનો દૃષ્ટિકોણ છે , પોતાની સમજ છે, પોતાના અભિગમ છે, પોતાના સ્વપ્નો છે . પણ આપણે આપણી માનસિકતામાં દોડ્યા કરીએ . દરેકનાં અલગ વ્યક્તિત્વનો વિચાર કરો , દરેકની અલગ ક્ષમતાનો ખ્યાલ રાખો , દરેકની અલગ અલગ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ યાદ રાખો . દરેક બાળક અલગ અને સ્પેશિયલ છે. એક ખાસ વિનંતી છે કે માર્કસના આધારે ક્યારેય કોઈ વિદ્યાર્થીને મૂલવશો નહિ . માર્ક્સ અને પરીક્ષા જીવનનો એક ભાગ છે , જીવન નહિ . દરેક બાળકને મહત્વ આપવાનું લક્ષ્ય રાખો તો કદાચ શક્ય છે કે જેને અભ્યાસમાં પાછળ ગણતા હોઈએ તે બધાથી આગળ નીકળી જાય અથવા તો સાથે થઇ જાય . અને કદાચ બધું ન શીખી શકે તોય વાંધો નથી . જગતના સફળ વ્યક્તિઓના ઉદાહરણો જોઈ લેવા. મહાન વિભૂતિઓ ક્યારેય ઉત્તમ ગુણાંક લઇ સફળ થયા હોય તેવા નામ બહુ ઓછા મળશે . બાળકને સારો માનવી બનાવો એટલે સફળ તો એની જાતે થઇ જશે . સારો નાગરિક બનાવો ,રાષ્ટ્રપ્રેમી બનાવો, પ્રામાણિક બનાવો , કાર્યનિષ્ઠ બનાવો , જવાબદાર બનાવો . શિક્ષણજગતના લોકોએ  યાદ આ ખાસ યાદ રાખવા જેવું છે કે  કોઈને અન્યાય નહિ થાય એવા પ્રકારનું શિક્ષણ કરાવીશું . એક તો ધીમે શીખે છે અને છતાં આપનાથી જો તેને સામાન્ય ગણી તેની અવગણના કરવાનો અન્યાય થઇ જાય તો તેનાથી મોટી ભૂલ બીજી કોઈ નથી . દરેક બાળકને આપણા પાસે એક અપેક્ષા હોય છે અને તે છે સમાન તક મેળવવાની . આપણી તમામ શક્તિઓ વડે આપણા વિદ્યાર્થીઓના ઘડતરમાં મથ્યા રહેવું એ આપણી જવાબદારી અને ફરજ છે. ગુજરાતના તમામ સમાનુભૂતિ ધરાવતા ગુરુજનો મારી આ વાત પર વિચારમંથન કરો એવી નમ્ર વિનંતી છે.






કાર્યક્રમ દરમિયાન કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમ્ય ગણશો એવી ખરા હૃદયથી વિનંતી છે. કોઈ સૂચન હોય તો આવકાર્ય છે. 

મા  શારદેને પ્રાર્થના કે ઉત્તમ કાર્યો કરવા માટે , અમારા બાળકોની સિદ્ધિ માટે અમને સદાય પ્રેરણા અને શક્તિ આપતા રહે .................. અસ્તુ
















                                               



કેળવણી એટલે કેળવવું

વિદાય

Shree Makhaniya Smart School વિદાય અહેવાલ – ૨૦૧૯ ત્રિવિધ કાર્યક્રમ તારીખ :-૦૪/૦૫/૨૦૧૯ या कुन्देन्दुतुषारहारधवला य...